આચાર સંહિતાનું કાઉન્ટ ડાઉનઃ ૬ માર્ચ આસપાસ ચૂંટણીની જાહેરાત

0
40

            હોળી-ધૂળેટી (૨૧ માર્ચે) ટાણે ખીલ્યા હશે આચાર સંહિતાના રંગ, ઉડતી હશે પ્રચારની પીચકારીઓઃ ૨૦૧૪માં ૬ માર્ચે ચૂંટણી જાહેર થયેલ આ વખતે એ જ અરસામાં જાહેર થશેઃ ગુજરાતમાં એપ્રિલમાં મતદાન

 

                  રાજકોટ :- ભારતની લોકશાહીમાં સૌથી મોટી ગણાતી લોકસભાની ચૂંટણી એકદમ નજીક આવી રહી છે. આચાર સંહિતાનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયુ છે. ગયા વર્ષે ૬ માર્ચે ચૂંટણી કાર્યક્રમ જાહેર થયેલ. આ વખતે પણ તે જ અરસામાં ચૂંટણી જાહેર થાય તેવા નિર્દેશ છે. ગુજરાતમાં ૨૦૧૪ના વર્ષમાં ૩૦ એપ્રિલે મતદાન હતુ. આ જ ક્રમ જળવાઈ રહે તેવી ધારણા છે. ચૂંટણી પૂર્વે સરકારે અને ચૂંટણી પંચે પોતાના કાર્યક્રમોને વેગ આપ્યો છે.

              ૨ જૂન ૨૦૧૯ના દિવસે વર્તમાન કેન્દ્ર સરકારની મુદત પુરી થાય છે. તે પહેલા નવી સરકારની રચના થઈ જવી જરૂરી છે. હાલના સમય સંજોગો જોતા માર્ચના પ્રારંભે ચૂંટણી જાહેર થાય અને મે ના મધ્ય સુધીમાં પુરી થાય તેવુ દેખાય છે. આચાર સંહિતા આડે હવે માંડ ૧ મહિનો રહ્યો છે. દેશમાં અઢી મહિના જેટલો સમય આચાર સંહિતા લાગુ રહેશે.

વડાપ્રધાન શ્રી મોદી ૪ અને ૫ માર્ચે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેમના સત્તાવાર કાર્યક્રમો છે તેથી તે પૂર્વે ચૂંટણી જાહેર નહી થાય તેવુ અનુમાન થઈ રહ્યુ  છે. માર્ચના પ્રથમ અથવા બીજા અઠવાડીયામાં ચૂંટણી જાહેર થઈ શકે છે. આધારભૂત વર્તુળો ૬ માર્ચે અથવા તેની એકદમ નજીકના દિવસોમાં ચૂંટણી કાર્યક્રમ  જાહેર થવાનો  અણસાર આપી રહ્યા છે. ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી અધિકારીઓની તાલીમ પુરી થયા બાદ હવે ચૂંટણીમાં સીધી ભૂમિકા ભજવનારા અધિકારીઓ  અને કર્મચારીઓ માટે તાલીમનો દોર શરૂ કરવામાં આવ્યો છે. સરકારે ચૂંટણી પૂર્વે રાજકીય  ફાયદો થાય તે પ્રકારના કાર્યક્રમો પર ભાર મુકયો છે. ચૂંટણી પૂર્વે બદલી પાત્ર અધિકારીઓ અને કર્મચારીઓની બદલી ૨૮ ફેબ્રુઆરી સુધીમાં કરી નાખવા ચૂંટણી પંચે તાકીદ કરી છે. ગુજરાત સરકારે બદલીનું લગભગ કામ પુરૂ કરી નાખ્યુ છે. કુદરતી વાતાવરણ, પરીક્ષા, તહેવારો વગેરે બાબતો ધ્યાને રાખી ચૂંટણી પંચ રાજ્યવાર ચૂંટણી કાર્યક્રમ નક્કી કરે છે. ગુજરાતમાં ગયા વખતે ૩૦ એપ્રિલે ચૂંટણી હતી. આ વખતે પણ એ જ સમયગાળામાં મતદાન થાય તેવુ અનુમાન થઈ રહ્યુ છે. ૨૧ માર્ચે ધૂળેટી છે. તે વખતે આચાર સંહિતા  રંગ ખીલી ગયા હશે અને ચૂંટણી પ્રચારની પીચકારીઓ ઉડતી હશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here