ગુજરાત સાડીની દુનિયાના નવા ટ્વિસ્ટ

0
246

સાડી એક સદાબહાર ગાર્મેન્ટ છે. સાલ કોઈ પણ હોય, મોસમ કોઈ પણ હોય; સાડી ક્યારેય આઉટ ઑફ ફૅશન નથી થતી. બલ્કે દર વર્ષે એમાં પણ નવા-નવા ટ્રેન્ડ્સ ઉમેરાતા જાય છે. એક સુંદર રીતે પહેરાયેલી આકર્ષક સાડી સ્ત્રીની આખી પર્સનાલિટી જ બદલી કાઢે છે. તો આવો નજર કરીએ સાડીની દુનિયાના લેટેસ્ટ ટ્રેન્ડ્સ પર જે તમને નવી સાડી પસંદ કરવામાં અથવા જૂની સાડીને નવી રીતે પહેરવામાં મદદરૂપ બની શકે

sari-1
(૧) સિલ્ક સાડી

સિલ્ક એક એવું મટીરિયલ છે જે દરેક સ્ત્રીને પહેરવું ગમે છે. એ રૉયલ પણ છે અને પૉપ્યુલર પણ. એથી જ લગ્ન હોય કે પછી રિસેપ્શન, સંગીત સંધ્યા હોય કે પછી મેંદી, પાર્ટી હોય કે પછી પૂજા, દરેક ઔપચારિક પ્રસંગોએ પહેરવા માટે સિલ્કની સાડી એક પર્ફેક્ટ આઉટફિટ બની રહે છે. એમાં પણ જરીવર્ક, જરદોસીવર્ક તથા પૅચવર્ક કરેલી સિલ્કની સાડી ગમે ત્યારે ચાલી જાય છે. જોકે સિલ્કની સાડીમાં પણ આ વર્ષે બનારસી સાડી તથા ગુજરાતનાં પટોળાં વધુ લોકપ્રિય બની રહ્યાં છે. બનારસના પારંપરિક મટીરિયલમાંથી બનેલી આખી સાડી અથવા બનારસી પૅચવર્ક કરેલી સાડીએ આ વર્ષે ધૂમ મચાવી છે તો બીજી બાજુ જાણે એને ટક્કર આપી રહ્યાં હોય એમ ગુજરાતનાં ઠસ્સાદાર સિલ્કનાં પટોળાં એની બોલ્ડ ડિઝાઇન્સ તથા આંખોને આકર્ષી લે એવા કલર્સને પગલે નાની ઉંમરની સ્ત્રીઓનાં પણ માનીતાં બની ગયાં છે. આવાં પટોળાં કે પટોળાં પ્રિન્ટની સાડી સાથે આજકાલ મહિલાઓ સાચી જરીનું હેવી વર્કવાળું કે પછી મિરરવર્કનું બ્લાઉઝ પહેરવાનું વધુ પસંદ કરી રહી છે. તમે ઇચ્છો તો આ જ તરકીબ પ્લેન રૉ સિલ્કની સાડી સાથે પણ અજમાવી શકો છો. બોરીવલીમાં રહેતી ફૅશન-ડિઝાઇનર રિન્કુ ચોવટિયા કહે છે, ‘બનારસી સાડીઓ ઉપરાંત આજકાલ મૂળ બનારસની પેદાશ કહેવાતું ઉપાડા સિલ્ક પણ એટલું જ ચાલી રહ્યું છે. આ સાડીઓ સાથે રૉ સિલ્ક અથવા જામેવાર મટીરિયલમાંથી બનેલાં બ્લાઉઝ ખૂબ ક્લાસિક અને એલિગન્ટ લાગે છે.’

(૨) નેટ સાડી

લેડીઝ ફૅશનમાં નેટનું મટીરિયલ હંમેશાંથી ડિમાન્ડમાં રહ્યું છે. નેટની સ્લીવ્સવાળા ડ્રેસિસ, નેટના દુપટ્ટા, નેટના સ્કટ્ર્સથી માંડી નેટના લેગિંગ્સ, સૉક્સ તથા ટાઇટ્સ હંમેશાં લોકપ્રિય રહ્યાં છે. આવું જ કંઈક નેટની સાડીઓનું પણ છે. લગભગ દસેક વર્ષ પહેલાં આવેલી નેટની સાડીઓની ફૅશન એક નહીં તો બીજા સ્વરૂપે ટકી રહી છે. રિન્કુ કહે છે, ‘આજકાલ બજારમાં નેટના ઘણાબધા પ્રકારનાં ઇમ્ર્પોટેડ ફેન્સી મટીરિયલ્સ આવી ગયાં છે, જેમાં જાલથી માંડી કટવર્ક તથા ચિકનવર્ક સુધી જોઈએ એટલા વિવિધ વિકલ્પો મળી રહે છે. મીટરદીઠ લગભગ ૧૬૦૦ રૂપિયાથી શરૂ થતાં આ મટીરિયલ્સમાંથી બનેલી આખી સાડી અથવા આ મટીરિયલ્સમાંથી બનેલો પાલવ ધરાવતી સાડી વેલ્વેટના બ્લાઉઝ સાથે અત્યંત ગ્લૅમરસ લાગે છે. વર્ષો સુધી મહિલાઓ આવી નેટની સાડી સાટીનના ચણિયા સાથે પહેરતી હતી. હવે એના સ્થાને જૂટ કૉટનમાંથી બનેલા ચણિયા કમ્ફર્ટની દૃષ્ટિએ વધુ સારા ગણવામાં આવે છે.’

(૩) ગાઉન સાડી

આમ તો સાડીને ગાઉનની જેમ ડ્રૅપ કરવાના અનેક તરીકા છે, પરંતુ આજકાલ જે હદે ફીમેલ ફૅશનવેઅરમાં ગાઉનની બોલબાલા વધી ગઈ છે એ જોતાં ગાઉન સાડીનો ટ્રેન્ડ પણ ખૂબ લોકપ્રિય બની રહ્યો છે. રિન્કુ કહે છે, ‘આમાં નાભિના ભાગ પર પાટલી વાળેલા તથા ખભા પર પ્લીટ્સ લીધેલાં આખાં ને આખાં ફુલ લેન્ગ્થ ગાઉન જ તૈયાર કરી દેવામાં આવે છે. તમારે માત્ર ડ્રેસની જેમ એને પહેરી જ લેવાનાં રહે છે. આમાં મહદંશે પ્યૉર સાટીન કે સિલ્ક જેવા મટીરિયલ સાથે પાટલી તથા પલ્લુ માટે નેટનો ઉપયોગ થાય છે. આખી સાડીને આકર્ષક બનાવવા માટે પાટલી કે ખભાના ભાગ પર મોટું બ્રોચ પણ લગાડી શકાય છે. પોતાના રિસેપ્શનમાં પહેરવા માટે કે પછી પોતાની અત્યંત પ્રિય ફ્રેન્ડના લગ્નમાં બ્રાઇડ્સ મેઇડ તરીકે જ્યારે હાજરી આપવાની હોય ત્યારે આવી ગાઉન સાડી બેસ્ટ ઑપ્શન બની શકે છે.

(૪) ફ્લૅર સાડી

ગુજરાતીમાં કળીવાળી સાડી તરીકે ઓળખાતી આ ફ્લૅર સાડી પહેરાતાં ચણિયાચોળી જેવી વધુ લાગે છે. મૂળ આ પ્રીસ્ટિચ્ડ સાડીનો જ એક પ્રકાર છે, જેમાં સ્કર્ટનો ભાગ કળીઓ લઈ સીવી દેવામાં આવ્યો હોય છે, જ્યારે પાલવનો ભાગ છૂટો રાખવામાં આવે છે. આ પાલવ તમે ગુજરાતી તથા બેન્ગોલી બને રીતે પહેરી શકો છો. સ્કર્ટના ભાગમાં લીધેલી કળી આખી સાડીને ફ્લૅરવાળો લુક આપે છે, જેને કારણે ચણિયાચોળી પહેરવામાં શરમ અનુભવતી મોટી ઉંમરની સ્ત્રીઓ પણ એને વટથી પહેરી શકે છે. આવી ફ્લૅરવાળી સાડી મોટા ભાગે બેજ કલરની નેટમાંથી બનાવવામાં આવે છે, જેની સાથે મિક્સ ઍન્ડ મૅચ કલરફુલ બ્લાઉઝ વધુ ઇન થિન્ગ ગણાય છે.

(૫) બૉર્ડરવાળી સાડી

છેલ્લાં કેટલાંક વર્ષોમાં સાદી હોય કે સિલ્કની દરેક પ્રકારની સાડી પર હેવી બૉર્ડર મૂકવાની ફૅશને માઝા મૂકી છે. સાધારણ એક ઇંચથી માંડી ૫-૬ ઇંચ સુધીની પહોળાઈ ધરાવતી સિંગલ અથવા બે-ત્રણ બૉર્ડરનું કૉમ્બિનેશન આખી સાડીનો લુક બદલી નાખે છે. માર્કેટમાં જાઓ એટલે બૉર્ડર્સની ભરચક વરાઇટી હંમેશાંથી મળતી આવી છે, પરંતુ આજકાલ એમાં ગોટાવર્ક, મિરરવર્ક, વેલ્વેટ તથા કટવર્કની બૉર્ડર વધુ ડિમાન્ડમાં છે.

(૬) ક્વર્કી સાડી

અભિનેત્રી નીના ગુપ્ïતાની ફૅશન-ડિઝાઇનર દીકરી મસાબાએ લોકપ્રિય બનાવેલી મૂછ, કૅમેરા, પક્ષી, હાથનો પંજો કે પછી દેવનાગરી લિપિના અક્ષરો વગેરે ધરાવતી ક્વર્કી પ્રિન્ટની સાડીઓ પણ આજકાલ ખૂબ ચાલી છે. પિન્ક, બ્લુ, યલો, રેડ, વાઇન રેડ, ગ્રીન વગેરે જેવા વાઇબ્રન્ટ કલર્સમાં આવતી આ સાડી કૉલેજિયન્સમાં ખાસ પૉપ્યુલર છે. આવી સાડીની ખાસિયત એ હોય છે કે એને કોઈ પણ પ્રકારના ડેકોરેશન કે ઝાકઝમાળની જરૂર પડતી નથી. એની પ્રિન્ટ જ એટલી બોલકી હોય છે કે જોનારની આંખોને રીતસરની મોહી લે છે. આવી સાડીઓ પર સાદું સ્લીવલેસ બ્લાઉઝ કે સ્પૅઘેટી ટૉપ પૂરતું થઈ રહે છે. સ્ટાઇલ સ્ટેટમેન્ટ તરીકે તમે ઇચ્છો તો એનો એકાદ સારો નેકપીસ પણ પહેરી શકો છો.

(૭) ડબલ સાડી

હાફ-હાફ સાડી તરીકે ઓળખાતી આ ડબલ સાડી જૂના જમાનામાં મહિલાઓ જેને પાટલી પાલવ તરીકે ઓળખતી હતી એની યાદ અપાવી જાય છે. જોકે એ  દિવસોમાં આખી સાડી મોટા ભાગે એક જ મટીરિયલમાંથી બનતી હતી, માત્ર પાટલીના ભાગનાં કલર તથા પ્રિન્ટ આખી સાડીની સરખામણીએ અલગ રહેતાં હતાં. હવેની આ ડબલ સાડીમાં વાસ્તવમાં બે અલગ-અલગ મટીરિયલનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે પાટલી સુધીની સાડી એક મટીરિયલની અને પલ્લુ બીજા મટીરિયલનો અથવા પાટલી પહેલાંની સાડી એક મટીરિયલની અને પાટલી તથા પલ્લુ બીજાં મટીરિયલને ભેગાં કરીને તૈયાર કરવામાં આવે છે. અહીં રિન્કુ કહે છે, ‘સેમી ફૉર્મલ ફંક્શન હોય તો આવી સાડી માટે જ્યૉર્જેટ સાથે શિફોન, ડિજિટલ પ્રિન્ટ સાથે જ્યૉર્જેટ તથા જ્યૉર્જેટ અને નેટનો વધુ પ્રયોગ થાય છે. બીજી બાજુ ફૉર્મલ ફંક્શન હોય તો જામેવાર સાથે પ્યૉર ક્રેપ, સિલ્ક સાથે વેલ્વેટ તથા રૉ સિલ્ક સાથે વેલ્વેટ વધુ પસંદ કરવામાં આવે છે. આવી સાડીમાં વાપરવામાં આવેલાં વિવિધ મટીરિયલ, કલર્સનું કૉમ્બિનેશન, એમ્બ્રોઇડરી અને બૉર્ડર પહેરનારની આખી આભા જ બદલી નાખે છે.’

એક નજર બ્લાઉઝની ડિઝાઇનના ટ્રેન્ડ પર પણ

સાડીની ખરી મજા એને યોગ્ય રીતે હાઇલાઇટ કરે એવા બ્લાઉઝ સાથે જ આવે છે. બલ્કે કેટલીક વાર તો બ્લાઉઝ જ એટલું આકર્ષક હોય છે કે એની સાથે સાદી સાડી પણ સુંદર બની જાય છે. આ જ કારણસર સાડીની સાથે બ્લાઉઝની ફૅશનમાં પણ નીતનવા ટ્રેન્ડ્સ આવ્યા કરે છે. આ સંદર્ભમાં આટલાં વર્ષો ચાલેલી પાછળથી ડીપ નેક ધરાવતા બ્લાઉઝની ફૅશન હવે બધાને આવજો કહીને જતી રહી છે. બલ્કે હવે ટ્રેન્ડ છે હાઈ નેકવાળા બ્લાઉઝનો. આવા હાઈ નેકવાળાં બ્લાઉઝ પણ પાછાં ફુલ સ્લીવ્સ સાથે પહેરવાથી આખી સાડીનો લુક બદલાઈ જાય છે અને પહેરનારનું વ્યક્તિત્વ અત્યંત જાજરમાન બની જાય છે. એવી જ એક બીજી ફૅશન છે જૅકેટ બ્લાઉઝની. આમાં આખી સાડી પહેરી ઉપર કમર અથવા ઘૂંટણ સુધીની લંબાઈ ધરાવતું વેલ્વેટનું હેવી વર્ક કરેલું જૅકેટ પહેરવામાં આવે છે. આ જેકેટમાં ખભા પર એક નાની સ્લિટ મૂકવામાં આવે છે, જેમાંથી પલ્લુ બહાર કાઢી પાછળ લટકતો રાખવામાં આવે છે. રાજારાણીના જમાનાની યાદ અપાવી દે એવી આ ફૅશન આજકાલ લગ્નસરામાં હૉટ ટ્રેન્ડ બની ગઈ છે. એ સિવાય સાચી જરીનું વર્ક કરેલાં કે પછી મિરરવર્ક, સ્ટોનવર્ક, કાશ્મીરીવર્ક વગેરે જેવી હેવી એમ્બ્રોઇડરી કરેલાં બ્લાઉઝ હંમેશાં ચાલતાં હતાં અને હંમેશાં ચાલતાં રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here