RTEની પ્રવેશ પ્રક્રિયા 5 એપ્રિલથી શરૂ થશેઃ આચાર સંહિતાને લીધે નિયમોમાં ફેરફાર નહીં

0
57

સરકારનો આદેશ છતાં પણ અનેક સ્કૂલોએ બેઠકો સહિતની માહિતી અપલોડ ન કરતા ડીઈઓ-ડીપીઓને બેદરકારી બાબતે ટકોરઃફોર્મ ઓનલાઈન જ ભરાશે

અમદાવાદ,સોમવાર

રાજ્યની ખાનગી પ્રાથમિક સ્કૂલોમાં ધો.૧માં રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ પ્રવેશ માટેની ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા ૫મી એપ્રિલથી શરૃ થશે.આ વર્ષે લોકસભાની ચૂંટણીને લઈને નિયમો અને પ્રવેશની  જોગવાઈઓ કે લાયકાતોમાં કોઈ પણ ફેરફાર કરાયો નથી.ગત વર્ષના નિયમો અને જોગવાઈઓ પ્રમાણે જ આ વર્ષે પ્રવેશ પ્રક્રિયા કરવામા આવશે.ગુજરાત બોર્ડ અને સેન્ટ્રલ બોર્ડ સહિતની તમામ ખાનગી સ્કૂલોની ધો.૧ની ૨૫ ટકા બેઠકો પ્રમાણે અંદાજે ૧ .૧૦લાખથી વધુ બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા થશે.

શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦ની આરટીઈની પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત ડીઈઓ-ડીપીઓ હેઠળની તમામ ખાનગી સ્કૂલોને  ૨૩મી માર્ચ સુધીમાં  બેઠકો સહિતની તમામ વિગતો અપલોડ થઈ જાય તે રીતનો આદેશ કરવામા આવ્યો હતો.પરંતુ હજુ સુધી મોટા ભાગની સ્કૂલોએ માહિતી અપલોડ કરી જ નથી અને માત્ર થોડી સ્કૂલોએ આરટીઈની વેબસાઈટ પર ઓનલાઈન માહિતી અપલોડ કરી છે.જેને લઈને પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા આજે તમામ ડીઈઓ-ડીપીઓને પરિપત્ર કરીને સ્કૂલો પાસે કડકાઈથી કામ લેવા અને માહિતી ફરજીયાત અપલોડ કરાવવા આદેશ કરવામા આવ્યો છે.પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા કરાયેલા પરિપત્રમાં એવી પણ ટકોર કરવામા આવી છે કે  ડીઈઓ-ડીપીઓ કક્ષાએ આ કામગીરીને ગંભીરતાથી લીધેલ હોય તેવુ જણાતુ નથી.  આ કામગીરીને ટોચ અગ્રતા આપી અને ગંભીરતાથી લઈને તમામ ખાનગી  પ્રાથમિક શાળાની તમામ વિગતો સમયમર્યાદામાં અપલોડ થઈ જાય તેની ખાસ તકેદારી રાખવામા આવે.જો કામગીરી પૂર્ણ નહી થાય તો તમામ જવાબદારી ડીઈઓ-ડીપીઓની રહેશે. રિસિવિંગ સેન્ટરની વિગતો પણ ૨૫ માર્ચ સુધીમાં વેબ પોર્ટલ પર અપલોડ થઈ જાય તેની ખાસ તકેદારી રાખવી.  આરટીઈ પ્રવેશ માટે ૨૫મી માર્ચના રોજ સરકાર દ્વારા જાહેરાત આપવામા આવસે અને ૫મી એપ્રિલથી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૃ કરાશે.૧૫ એપ્રિલસુધી ઓનલાન ફોર્મ ભરાશે.પ્રવેશ પ્રક્રિયાનો વિગતવાર કાર્યક્રમ હવે પછી જાહેર કરવામા આવશે.

મહત્વનું છે કે ગત વર્ષે સરકાર દ્વારા આરટીઈમાં પ્રવેશ માટે વાલીની આવકમર્યાદામા ફેરફાર કર્યો હતો તેમજ આરટીઈ પ્રવેશ માટેની જુદી જુદી લાયકાત કેટેગરીમાં શહિદ સૈનિકોના બાળકોની એક કેટેગરી પણ ઉમેરી હતી.પરંતુ આ વર્ષે લોકસભાની ચૂંટણીને લઈને આચારસંહિતા લાગુ હોવાથી નિયમોમાં કોઈ પણ ફેરફાર કરાયો નથી અને ગત વર્ષના નિયમ પ્રમાણે જ પ્રક્રિયા હાથ ધરાશે.મહત્વનું છે કે ગત વર્ષે લઘુમતી સ્કૂલોમાં આરટીઈ પ્રવેશને લઈને વિવાદ થયો હતો ત્યારે આ વર્ષે આરટીઈ પ્રવેશમા તમામ લઘુમતી સ્કૂલોની બેઠકોનો સમાવેશ થશે કે કેમ તે પ્રશ્ન છે.જો કે હાલ સુપ્રીમકોર્ટમા ંકેસ પેન્ડિંગ છે.ગત વર્ષે ૧.૧૨ લાખ જેટલી બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાઈ હતી અને ત્રણ રાઉન્ડ સાથે ખૂબ જ મોડી પ્રક્રિયા ચાલી હતી અનેક વિવાદો અને ત્રણ રાઉન્ડ બાદ પણ ૭૦થી૮૦ હજાર બેઠકો પર જ ફાઈનલ પ્રવેશ થયો હતો તથા ઘણી બેઠકો ખાલી રહી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here