દેશના પ્રથમ લોકપાલની તાજપોશી

0
57

સાત દાયકા લાંબી લડત બાદ દેશને પ્રથમ લોકપાલ મળ્યાં

દેશની સર્વોચ્ચ અદાલતે કરેલા દબાણને કારણે

ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સરકારે લોકપાલની નિમણૂક તો કરી છે પરંતુ જો સરકાર ભ્રષ્ટાચારવિરોધી લડત માટે કટિબદ્ધ હતી તો પછી નિમણૂકમાં પાંચ વર્ષ શા માટે લગાડી દીધાં એ સવાલ થવો સ્વાભાવિક છે

મોદી સરકારે પોતાના કાર્યકાળના અંતિમ સમયમાં લોકપાલની નિમણૂક કરીને વિપક્ષના હાથમાંથી મોટો મુદ્દો છીનવી લેવાનો પ્રયાસ કર્યો છે. સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જસ્ટિસ પિનાકી ચંદ્ર ઘોષ ભારતના પહેલાં લોકપાલ બન્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ, લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન અને વરિષ્ઠ કાયદાવિદ્ મુકુલ રોહતગીની બનેલી લોકપાલ પસંદગી સમિતિએ નિવૃત્ત જસ્ટિસ પી.સી. ઘોષ પર કળશ ઢોળ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લોકપાલ તરીકે જસ્ટિસ પી.સી. ઘોષની નિમણૂક પર મહોર લગાવી છે.

લોકપાલની નિયુક્તિનો મામલો આજકાલનો નહીં પરંતુ વર્ષો જૂનો છે. વિદેશોમાં ઓમ્બડ્ઝમેન તરીકે ઓળખાતા હોદ્દાની રચના ઘણાં સમય પહેલાં થઇ ગઇ હતી પરંતુ ભારતમાં ૧૯૬૩માં પહેલી વખત દેશમાં કોઇ પણ મોટા હોદ્દા ઉપર બિરાજેલા લોકો વિરુદ્ધ ફરિયાદની સુનાવણી કરવા માટે લોકપાલ બનાવવાનો પ્રસ્તાવ રજૂ થયો હતો.

એ પછી ૧૯૬૮માં ઇન્દિરા ગાંધીના શાસનકાળમાં લોકસભામાં લોકપાલ બિલ રજૂ પણ કરવામાં આવ્યું. જોકે એ વખતે લોકપાલના અધિકારક્ષેત્રમાં વડાપ્રધાન અને સાંસદોનો સમાવેશ કરવામાં આવ્યો નહોતો. ૧૯૬૯માં આ બિલ પાસ પણ થઇ ગયું પરંતુ એના તુરંત બાદ લોકસભા ભંગ થઇ ગઇ જેના પરિણામે લોકપાલ અંગેનો કાયદો બની શક્યો નહીં.

ત્યારથી લઇને અત્યાર સુધી સાત વડાપ્રધાનોના કાર્યકાળ દરમિયાન આઠ વખત લોકપાલ બિલ આવ્યાં પરંતુ લોકપાલની નિમણૂક થઇ શકી નહોતી. ૨૦૧૧માં અન્ના હજારેએ દિલ્હી ખાતે કરેલું લોકપાલ માટેનું આંદોલન તો સૌ જાણે જ છે. યૂપીએ સરકાર દરમિયાન ૨૦૧૩માં લાગુ થયેલા લોકપાલ અને લોકાયુક્ત એક્ટને ૧ જાન્યુઆરી ૨૦૧૪ના દિવસે રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઇ હતી પરંતુ લોકપાલની નિમણૂક છેક હવે થઇ છે. આમ પહેલી વખત પરિચય થયાના પાંચ દાયકા કરતાયે વધારે સમય બાદ અને આઠ નિષ્ફળ પ્રયાસો બાદ દેશને પહેલા લોકપાલ મળ્યાં છે.

જોકે લોકસભાની ચૂંટણી આડે જૂજ દિવસો બાકી રહ્યાં છે ત્યારે લોકપાલની નિમણૂકને ઘણાં લોકો મોદી સરકારનો દેખાડો જ ગણી રહ્યાં છે. અત્યારે સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટી પણ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી પહેલા લોકપાલના મુદ્દે ભારે કાગારોળ મચાવતી હતી પરંતુ સત્તામાં આવ્યા બાદ ભાજપની પણ લોકપાલ નીમવાની ઇચ્છા જ જાણે નબળી પડી ગઇ.

ભ્રષ્ટાચારી મંત્રીઓ અને અધિકારીઓની તપાસ માટે કાયદો તો બની ગયો પરંતુ મોદી સરકારનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો થવા આવ્યો ત્યારે છેક દેશને પ્રથમ લોકપાલ મળ્યાં. એવા સવાલ પણ ઉઠયાં કે મોદી સરકાર લોકપાલની નિમણૂકને લઇને ગંભીર નથી અને લોકપાલની નિમણૂકમાં જાણી જોઇને ટાળવાના પ્રયાસો થઇ રહ્યાં છે.

એક રીતે જોતા તો લોકપાલ રચવાનો મુદ્દો દરેક પક્ષ માટે ચૂંટણી પ્રચારનો મુદ્દો જ હતો. અનેક સમિતિઓ રચાઇ, ઢગલાબંધ સૂચનો આવ્યાં, અનેક વિધેયક બન્યા, આ પ્રસ્તાવોની ખામીઓ અને ખૂબીઓ ઉપર ચર્ચાઓ થઇ પરંતુ વાત આગળ ન વધી. છેવટે ગાંધીવાદી નેતા અન્ના હજારેએ લોકપાલનો મુદ્દો ઉઠાવ્યો અને દેશવ્યાપી આંદોલન છેડયું ત્યારે રાજકીય પક્ષો સળવળ્યા.

અન્ના આંદોલન વખતે આંદોલનનો જે માહોલ વ્યાપ્યો એની પાછળ એ કારણ પણ હતું કે એ સમયે ભ્રષ્ટાચારના એક પછી એક કેટલાયે મોટા મામલા સામે આવ્યાં હતાં અને દેશના લોકોના મનમાં ભારે રોષ વ્યાપી રહ્યો હતો. અન્ના હજારેના આંદોલને લોકોના આ રોષને એક આકાર આપ્યો.

૨૦૧૧માં અન્ના આંદોલનનો મુખ્ય ઉદ્દેશ ભ્રષ્ટાચાર વિરુદ્ધનો જંગ હતો. ભ્રષ્ટાચાર વિરુદ્ધના આ આંદોલનનો હેતુ મજબૂત લોકપાલની નિમણૂક કરવાનો હતો. આ લોકપાલ પાસે ભ્રષ્ટાચારમાં ડૂબેલા મંત્રીઓ અને અધિકારીઓને સજા અપાવવાની સત્તા હોય એવી અન્ના આંદોલનની માંગ હતી.

એ વખતે કોંગ્રેસની આગેવાની હેઠળની યૂપીએ સરકાર ઉપર લોકપાલ બિલને લઇને ભારે દબાણ સર્જાયું અને ૨૦૧૩માં લોકપાલ બિલ સંસદમાં પસાર થઇ ગયું. ૨૦૧૪માં રાષ્ટ્રપતિની મંજૂરી બાદ આ બિલ કાયદો તો બની ગયું પરંતુ દેશના નસીબમાં તો લોકપાલ માટે હજુ વાટ જોવાની જ લખાઇ હતી.

યૂપીએ સરકારના અંતિમ દિવસોમાં તમામ પક્ષોની સહમતિથી પસાર થયેલા લોકપાલ કાયદામાં જોગવાઇ છે કે લોકપાલની પસંદગી કરતી સમિતિમાં વડાપ્રધાન, લોકસભા અધ્યક્ષ, લોકસભામાં વિપક્ષના નેતા, દેશના ચીફ જસ્ટીસ અથવા તેમના દ્વારા નોમિનેટ થયેલા સુપ્રીમ કોર્ટના કોઇ જજ અને એક પ્રખ્યાત ન્યાયિક બાબતોના વિશેષજ્ઞા સામેલ હશે. પરંતુ હાલની લોકસભામાં વિપક્ષનો કોઇ માન્યતાપ્રાપ્ત નેતા નથી.

કોંગ્રેસ વિપક્ષની સૌથી મોટી પાર્ટી તો છે પરંતુ તેની પાસે લોકસભામાં એટલી બેઠકો નથી કે ગૃહમાં તેના નેતાને વિપક્ષના નેતા તરીકેનો દરજ્જો મળે. વિપક્ષના નેતા ન હોવાનો હવાલો આપીને જ મોદી સરકાર લોકપાલની નિમણૂક અત્યાર સુધી ટાળતી રહી. જો કેન્દ્ર સરકારે ઇચ્છ્યું હોત તો લોકસભામાં સૌથી મોટી વિપક્ષી પાર્ટીના નેતાને લોકપાલ પસંદગી માટેની સમિતિ સામેલ કરીને લોકપાલની પસંદગીની પ્રક્રિયા વર્ષો પહેલાં જ આટોપી શકી હોત.

લોકપાલ નીમવા માટે સુપ્રીમ કોર્ટની વારંવારની ટકોર છતાં કેન્દ્ર સરકાર એવી દલીલ કરતી રહી કે લોકપાલની પસંદગી કરવા માટે વિપક્ષના નેતાની જરૂર છે અને હાલ લોકસભામાં વિપક્ષના નેતા નથી એટલા માટે લોકપાલની પસંદગી થઇ શકે એમ નથી.

કોંગ્રેસે પણ લોકપાલની નિમણૂકમાં થઇ રહેલા વિલંબ માટે મોદી સરકારને જવાબદાર ઠરાવી. છેવટે સુપ્રીમ કોર્ટે પણ સ્પષ્ટ કર્યું કે લોકસભામાં બીજી સૌથી મોટી પાર્ટી એટલે કે કોંગ્રેસના નેતા મલ્લિકાર્જૂન ખડગેને વિપક્ષના નેતા ગણીને લોકપાલની રચનાની પ્રક્રિયા પૂરી કરવામાં આવે તેમ છતાં લોકપાલની નિમણૂક લટકી રહી.

સીબીઆઇ જેવી સંસ્થામાં ડાયરેક્ટરની નિમણૂક કરવા માટે કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો અને સૌથી મોટા વિપક્ષી દળના નેતાને પસંદગી સમિતિની સભ્ય બનાવવાની જોગવાઇ કરવામાં આવી પરંતુ લોકપાલ નિમણૂક સમિતિ માટે કાયદામાં એવો કોઇ ફેરફાર કરવામાં ન આવ્યો. વિપક્ષના નેતાના સ્થાને બીજા નંબરની સૌથી મોટી પાર્ટીના નેતાને લોકપાલ પસંદ કરવાની કમિટીમાં રાખવાનું સંશોધન છેક સુધી લટકતું જ રહ્યું.

ઉલટું લોકપાલ પસંદગી સમિતિમાં ફેરફાર કરવા માટે જે અનેક પ્રકારની જોગવાઇઓની રજૂઆત કરવામાં આવી એ જ એટલી વિવાદાસ્પદ હતી કે તેને સંસદની પસંદગી સમિતિમાં મોકલવામાં આવી ત્યારે ત્યાં પસાર થયા વિના વરસો સુધી ધૂળ ખાતી પડી રહી. દિલ્હી હાઇકોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટીસ એ.પી. શાહે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કાયદાને હળવો અને લવચીક બનાવવાનો આરોપ પણ મૂક્યો પરંતુ સરકારના પેટનું પાણી ન હલ્યું.

સૌથી મોટા વિપક્ષી દળના નેતાને લોકપાલ પસંદગી સમિતિના સભ્ય બનાવવાને લઇને કાયદામાં કોઇ ફેરફાર કરવામાં ન આવ્યો જેના પરિણામે જસ્ટિસ પી.સી. ઘોષને લોકપાલ નિમણૂક કરનારી સમિતિની બેઠક થઇ ત્યારે તેમાં કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેને વિશેષ આમંત્રિત સભ્ય તરીકે સામેલ કરવામાં આવ્યાં. પરંતુ આ જોગવાઇ અનુસાર તેમને માત્ર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાનો અધિકાર હતો અને લોકપાલ નિમણૂક કરતી વખતે વોટ કરવાનો અધિકાર નહોતો. પરિણામે ખડગેએ આ બેઠકમાં ભાગ લેવાનો ઇન્કાર કરી દીધો.

અત્યાર સુધી એવું રહ્યું છે કે ન્યાય મેળવવા માટે સીબીઆઇની તપાસ કરવાનો મૂળ અભિગમ રહેતો હતો પરંતુ તાજેતરમાં સીબીઆઇની અંદર જ જે લડાઇ જોવા મળી અને અંદરોઅંદરનો કાદવઉછાળ જોવા મળ્યો તેમજ એ મામલે સરકારે જે પગલાં ભર્યાં એ જોતાં તો સીબીઆઇની વિશ્વસનિયતા સામે જ સવાલ ઉઠી રહ્યાં છે.

આમ પણ સુપ્રીમ કોર્ટ સીબીઆઇને પીંજરામાંના પોપટની ઉપમા આપીને વાસ્તવિકતાના દર્શન કરાવી દીધાં છે. એમાં પણ મોદી સરકારે તાજેતરમાં સીબીઆઇ અને રિઝર્વ બેંક મામલે જે વલણ દાખવ્યું એ જોતાં તો સ્વાયત્ત સંસ્થાઓ ઉપર ભરોસો જ ઊઠી જાય એવું પ્રતીત થઇ રહ્યું છે.

મોદી સરકારે ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડવાના રોજ દાવા તો ખૂબ કર્યાં પરંતુ ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની દિશામાં નક્કર પગલાં ન ભર્યાં. ભ્રષ્ટાચારને જડમૂળથી નાબૂદ કરવા માટે મોટી મોટી જાહેરાતો અને ભાષણબાજીઓ નહીં પરંતુ જમીનીસ્તર પર કામ કરવાની આવશ્યક્તા હતી. ભ્રષ્ટાચાર નાબૂદી માટે ભ્રષ્ટાચારના આરોપોની જાણ રાખતી, તપાસ કરતી અને સમાયોજન કરતી સંસ્થાઓને સક્ષમ અને સ્વાયત બનાવી રાખવાની જરૂર હતી પરંતુ એથી ઉલટુ મોદી સરકારમાં તો સ્વાયત્ત સંસ્થાઓની કામગીરીને જ અંકુશમાં લેવાના પ્રયાસ થયા.

હવે જ્યારે લોકસભાની ચૂંટણી આડે ત્રણ અઠવાડિયા બાકી રહ્યાં છે ત્યારે લોકપાલની નિમણૂક કરીને મોદી સરકારે ભ્રષ્ટાચારવિરોધી લડત માટે કટિબદ્ધ હોવાનો દેખાવ સર્જ્યો છે. એવા સવાલ પણ થઇ રહ્યાં છે કે ચૂંટણી આચારસંહિતા લાગુ હોય ત્યારે લોકપાલની નિમણૂક જેવા વહીવટી નિર્ણય થઇ શકે કે કેમ. બીજી બાજુ આમ આદમી પાર્ટીએ તો અત્યારથી જાહેરાત કરી દીધી છે કે લોકપાલની નિમણૂક થયા બાદ તે સૌથી પહેલા રાફેલ અને સહારા બિરલા ડાયરી મામલે વડાપ્રધાન મોદી વિરુદ્ધ ફરિયાદ કરશે.

દાયકાઓ જૂની માંગ બાદ જ્યારે દેશના પહેલા લોકપાલની નિમણૂક થઇ ગઇ છે ત્યારે એક સ્વસ્થ લોકતાંત્રિક પ્રક્રિયાના ભાગરૂપે આ સંસ્થાની કામગીરી પારદર્શક બની રહે એનો ખ્યાલ રાખવો જોઇએ કે જેથી કરીને તેની વિશ્વસનિયતા જળવાઇ રહે. એ સાથે જ લોકપાલના અધિકારક્ષેત્રને લઇને પણ ભવિષ્યમાં વિવાદ ઊભા ન થાય એનો ખ્યાલ રાખવો જોઇએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here